Kakasaheb kalelkar biography in gujarati seradi
નવીન શું છે
સવિશેષ પરિચય: ફોટો: કાકાસાહેબ કાલેલકર
કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ, ‘કાકાસાહેબ’ (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧) : નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂના, શાહપુર, બેલગામ, જત, સાધનપુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩ માં મેટ્રિક. ૧૯૦૭ માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ.
૧૯૦૮ માં એલએલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮ માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯ માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦ માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં. ૧૯૧૨ માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઈતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું.
૧૯૨૮ માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪ માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮ થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨ થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનના છેલ્લા દિવસો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો.
૧૯૫૨ માં રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩ માં ‘બેકવર્ડ કલાસ કમિશન’ ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘પદ્યવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.
‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ (૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે.
સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ આલેખે છે, પરિણામે આ પ્રવાસગ્રંથોની સામગ્રી માત્ર માહિતીમૂલક લેખો ન બની રહેતાં નિબંધનું રૂપ ધારણ કરે છે. ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના પ્રસંગોને આત્મનેપદી શૈલીમાં રજૂ કરતી સંસ્મરણકથા બની રહે છે. ‘બાપુની ઝાંખી’ (૧૯૪૬) અને ‘મીઠાને પ્રતાપે’ (૧૯૫૫) જેવા ગ્રંથો બાપુના પૂર્ણરૂપના જીવનચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરુપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય વિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે.
‘ધર્મોદય’ (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ દ્રષ્ટિગોચર થાય છે. ‘શ્રી નેત્રમણિભાઈને’ (૧૯૪૭), ‘ચિ.ચંદનને’ (૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’ (૧૯૬૪)માં તે તે વ્યક્તિઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોનાં છએક જેટલાં સંપાદનો પણ તૈયાર કરેલાં. ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોનો સંગ્રહ છે.
અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપો ગૌણસ્વરૂપે, તો પત્રો અને ડાયરી જેવાં ગૌણસ્વરૂપો મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે.
એમનું ચિંતનાત્મક લખાણ સંસ્કૃતિ, કલા અને સાહિત્ય-એમ ત્રિવિધ ક્ષેત્રે વહેંચાયેલું છે. ‘ઓતરાતી દીવાલો’ (૧૯૨૫), ‘જીવતા તહેવારો’ (૧૯૩૦), ‘જીવનસંસ્કૃતિ’ (૧૯૩૬), ‘જીવનભારતી’ (૧૯૩૭), ‘ગીતાધર્મ’ (૧૯૪૪), ‘જીવનલીલા’ (૧૯૫૬), ‘પરમસખા મૃત્યુ’ (૧૯૬૬)માંથી એમનું સંસ્કૃતિચિંતન તેમ જ ‘જીવનનો આનંદ’ (૧૯૩૬), ‘જીવનવિકાસ’ (૧૯૩૬), ‘અવારનવાર’ (૧૯૫૬), ‘જીવનપ્રદીપ’ (૧૯૫૬), ‘રવીન્દ્રસૌરભ’ (૧૯૫૬), ‘ગુજરાતમાં ગાંધીયુગ’ (૧૯૭૦), ઈત્યાદિ ગ્રંથોમાંથી એમનું કળા અને સાહિત્ય વિષયક ચિંતન પ્રાપ્ત થાય છે.
એમના સાહિત્યચિંતનમાંથી સાહિત્યનાં પ્રયોજન અને કાર્ય, સાહિત્યની કસોટી, શક્તિ અને સફળતા વિશે, સાહિત્ય અને નીતિ, જીવનમૂલ્યો વગેરે વિશેના વિચારો મળે છે. શૃંગાર, વીર, કરુણ વગેરે રસોની શક્તિ અને કાર્ય વિશે એમણે કરેલી પરીક્ષા તથા પ્રશિષ્ટ ગ્રંથોના સેવનની એમણે કરેલી હિમાયત આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે.
એમના વિપુલ સાહિત્યમાંથી કેટલાક વિચારપ્રધાન, લલિત અને અંગત નિબંધોના પણ સુંદર ઉદાહરણો મળે છે.
એમનું મોટા ભાગનું સાહિત્ય શિક્ષણ અને પત્રકારત્વની કામગીરીની નીપજરૂપ છે.
એમણે પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનું ઘણું મૂલ્ય છે. પ્રારંભમાં ૧૯૦૯માં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર ‘રાષ્ટ્રમત’માં સેવાઓ આપેલી. પછી ૧૯૨૨ થી ‘નવજીવન’માં જોડાયેલા. એમણે લખેલા તંત્રીલેખો તથા ‘શિક્ષણ અને સાહિત્ય’ ની વિષયસામગ્રી ધ્યાનાર્હ બની રહે એ કોટિની છે.
૧૯૩૬ થી ‘ભારતીય સાહિત્ય પરિષદ’ના હિન્દી મુખપત્ર ‘હંસ’ ના સંચાલનમાં એમણે સેવાઓ આપેલી. હિન્દીના પ્રચારાર્થે ‘વિહંગમ’માં સંપાદકપદે પણ રહેલા. ૧૯૩૭ થી ગાંધીવિચારધારાના પ્રચારાર્થે ‘સર્વોદય’ શરૂ કરેલું. ૧૯૪૮ માં એમણે ‘મંગલપ્રભાત’ શરૂ કરેલું, જે ૧૯૭૫ સુધી ચાલેલું. ગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં પણ એમણે પત્રકારત્વની કામગીરી કરી છે. એક નીડર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર રહીને એમણે પ્રકાશિત કરેલી સામગ્રીને કારણે એમને અનેક વખત કારાવાસની સજા થયેલી.
ગાંધીયુગીન ગુ જરાતી સાહિત્યમાં કાકાસાહેબનું સ્થાન સીમાસ્તંભ કોટિનું છે. જીવનવાદી કલામીમાંસક-વિચારક કાકાસાહેબનું ગદ્ય ગુજરાતી ગદ્યના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. એમને ‘સવાઈ ગુજરાતી’ સર્જક તરીકેનું બિરુદ આ કારણે જ મળેલું. ભાવ, ભાષા અને અભિવ્યક્તિ સંદર્ભે એમના નિબંધોનું ઊંચું મૂલ્ય અંકાયું છે.
-બળવંત જાની
હિમાલયનો પ્રવાસ (૧૯૨૪) :કાકાસાહેબ કાલેલકરે આ લેખમાળા એક હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના સાથીઓ તથા વિદ્યાર્થીઓ ખાતર શરૂ કરેલી.
પ્રવાસમાં લેખકની સાથે સ્વામી આનંદ અને અનંત બુવા મરેઢકર હતા. ચાલીસ દિવસના પ્રવાસની આ લેખમાળા, પ્રવાસ પછી સાત વર્ષે ૧૯૧૯ માં શરૂ થઈ અને પંદર વર્ષ ચાલુ રહી. આ કારણે લેખકના જીવનરસનાં બદલાતાં વલણો આ પ્રવાસગ્રંથમાં જોઈ શકાય છે.
પ્રવાસનોંધના ચુંવાલીસ પ્રકરણો માત્ર હિમાલયપ્રવાસનાં નથી; એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુડ મઠની યાત્રાનો પણ સમાવેશ થયેલો છે.
પ્રવાસનો આરંભ હરિદ્વારથી અને અંત જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદરીનાથ સમીપે થાય છે. પ્રવાસવર્ણનમાં હિમાલયનો વૈભવ, નદીઓ તેમ જ વનની શોભા, સ્થળ-સ્થળના લોકજીવનની વિશેષતાઓ, સાધકો-યોગીઓની કથાઓ, પ્રવાસનાં ઉલ્લાસ તથા આરત વગેરે પ્રભાવક રીતે રજૂ થયાં છે.
-જયંત પંડયા
રખડવાનો આનંદ (જૂન, ૧૯૫૩) :દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો દેશદર્શનનો આનંદ વ્યક્ત કરનારા લેખોનો સંગ્રહ.
જુદાં જુદાં તીર્થો અને કલાસ્થળોનો અહીં સૌન્દર્યમર્મી લેખકે રાષ્ટ્રીય અસ્મિતા, સાંસ્કૃતિક સજગતા અને ધાર્મિક ઉત્કટતાથી પરિચય કરાવ્યો છે. ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ ભાગ છે’ એવી અહીં આ લેખકની પ્રતિજ્ઞા છે. ‘દક્ષિણને છેડે’ થી શરુ થતાં બાહુબલી, વસઈનો કિલ્લો, દેલવાડા, ભુવનેશ્વર સહિત કુતુબમિનાર, તાજમહાલ વગેરે સ્થળોનાં પરિચયવર્ણનોમાં ભારતીયતાની ગવેષણા છે; તો સાથે સાથે ધર્મ, સમાજ, સંસકૃતિ, જીવનવ્યવસ્થાદિ અંગેનું રસપ્રદ ચિંતન પણ છે.
સ્વરાજસેવાનાં અનેક કામોને નિમિત્તે દેશમાં ફરવું પડયું અને જે જોયું તેની અહીં કલાપ્રસ્તુતિ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
સ્મરણયાત્રા (૧૯૩૪) : કાકાસાહેબ કાલેલકરનો, નાનપણનાં કેટલાંક સ્મરણોનો સંગ્રહ. આ સ્મરણો દ્વારા લેખકનો ઉદ્દેશ આત્મકથા આપવાનો નથી, પરંતુ પોતાના બાળપણનાં ભિન્નભિન્ન ભાવપ્રતિભાવો, ગુણદોષો, જયપરાજય, ક્ષુદ્ર અહંકાર અથવા સહજ સ્વાર્થત્યાગની વૃત્તિ વગેરેને નિખાલસતાથી રજૂ કરવાનો અને તેની મારફતે બાળકો તથા યુવાનો સાથે સમભાવ કેળવવાનો છે.
આમ કરવા જતાં કાલાનુક્રમ જળવાયો નથી; છતાં સંગ્રહનાં કુલ તોત્તેર સંસ્મરણલખાણોમાં એકસૂત્રતા અવશ્ય જળવાઈ છે.
અહીં સંચિત સ્મરણો મોટે ભાગે કૌટુંબિક જીવનનાં તેમ જ મુસાફરી અંગેના છે. જયાં જયાં જવાનું થયું ત્યાંનું લોકજીવન, તથા ત્યાંનાં પ્રકૃતિસૌંદર્ય, ઉત્સવો અને વ્રતો ઉપરાંત મન ઉપર કાયમી છાપ મૂકી ગયેલી વ્યક્તિઓ અને પ્રસંગો-આ સંગ્રહની મુખ્ય સામગ્રી છે.
શાહપુર, બેળગુંદી, સાતારા, બેલગામ, સાવંતવાડી, કારવાર, પૂના, મીરજ, સાંગલી, સાવનૂર ઈત્યાદિ સ્થળો સાથે જોડાયેલો ભાવાનુબંધ પ્રત્યેક સ્થળની વિશેષતાઓ સાથે અહીં પ્રગટ થયો છે. અહીં બોધ નથી, જીવનદર્શનની નવીનતા અને કુતૂહલ છે; અને એ માટે લેખકનું રસાળ ગદ્ય ઉપકારક બન્યું હોઈ સર્વથા આસ્વાદ્ય છે.
-જયંત પંડયા
ઓતરાતી દીવાલો (૧૯૨૫) : અસહકારની લડતમાં ભાગ લેવા બદલ સાબરમતી જેલવાસ દરમિયાન પશુપંખી અને વનસ્પતિસૃષ્ટિનાં વિશિષ્ટ સંવેદનો આલેખતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું લઘુપુસ્તક.
અહીં ચાર દીવાલો વચ્ચેની આનંદયાત્રા છે. કુદરતઘેલા લેખકની, આ લખાણોમાં ઉપદેશ, પ્રચાર, ડહાપણ કે વિદ્રત્તાને સ્થાને અનુભવી, સુખદુઃખની અને કલ્પનાની આપલે છે. લેખકના દુનિયા તરફના પ્રેમે અને એમની ખુશમિજાજીએ બંધિયાર જેલજીવનની વચ્ચે પણ કીડીઓ, ખિસકોલીઓ, કાગડાઓ, બિલાડીઓ, વાંદરાઓ, વંદાઓ, કાનખજૂરા જેવા જીવલોકને સૌન્દર્યપરખ નજરથી ઝડપ્યો છે. દીવાલોમાંથી મળતી આકાશ અને તારાનક્ષત્રની ઝલકોએ લેખકના એકાન્તના કુતૂહલને ઉત્તેજ્યું છે.
નિરુપણમાં રહેલી હળવાશ અને વિનોદવૃત્તિએ તેમ જ પ્રસન્નરુચિએ લેખનનું લલિતરૂપ ધારણ કર્યું છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
જીવનલીલા (૧૯૫૬) : કાકા કાલેલકરના પ્રકૃતિવિષયક સીત્તેર સંસ્મરણાત્મક લેખોનો સંગ્રહ. ભારતમાં ઠેરઠેર ફરીને પ્રવાસી તરીકે ભારતના પહાડો, એની નદીઓ, એનાં સરોવરો અને સંગમ સ્થાનોનાં જે ચિત્રો લેખકે ઝીલ્યાં છે એને અહીં દેશભક્તિના દ્વવ્યથી રંગ્યા છે.
સરલ ભાષા છતાં ચેતનધબકતી શૈલી સાથે પ્રકૃતિના સૌન્દર્યને ખડાં કરતાં વર્ણનોથી આ ગ્રંથ પ્રવાસ સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
જીવનનો આનંદ (૧૯૩૬) : કળા અને કુદરતવિષયક લેખોને સમાવતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું પુસ્તક, મંદવાડના દિવસોમાં તેમ જ જેલની કોટડીમાં રાખેલી વાસરીની નોંધો હોવા છતાં એમાં કાલેલકરનો આત્મનેપદી પ્રધાનસૂર આસ્વાદ્ય છે. જીવનનો આનંદધર્મ અહીં વિવિધ રીતે પ્રગટ્યો છે. ‘પ્રકૃતિનું હાસ્ય’, ‘અનંતનો વિસ્તાર’, ‘નિવૃત્તિમાં નિરીક્ષણ’, ‘રખડવાનો આનંદ’ અને ‘જીવનનો ઓપ’ એમ કુલ પાંચ ખંડોમાં આ પુસ્તક વહેંચાયેલું છે.
પ્રકૃતિદર્શન, આકાશદર્શન અને કલાદર્શનથી રસાયેલું લેખન અહીં સૌન્દર્યબોધ અને કેવળ આનંદને તાકે છે. હાસ્યવિનોદ અને નર્મ-મર્મના સહજ તંતુઓએ આ લેખનને સમૃદ્ધ વ્યક્તિતા અર્પી છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
જીવનવ્યવસ્થા (૧૯૬૩) : કાકાસાહેબ કાલેલકરના ધર્મવિચારવિષયક લખાણોનો સંગ્રહ. ‘વિવિધ ધર્મો’, ‘ધાર્મિક સુધારણા’, ‘ધર્મગ્રંથો વિષયક’, ‘રહસ્યનું ઉદઘાટન’,‘મંદિરો’ તથા ‘પ્રાસંગિક અને પ્રકીર્ણ’ એમ છ ખંડોમાં વિભાજિત આ લખાણોમાં બૌદ્ધધર્મ, જૈનધર્મ, આર્યસમાજ, પ્રાર્થનાસમાજ જેવાં ભારતની અંદર પ્રસરેલાં ધર્મો અને ધાર્મિક વિચારધારાઓ વિશેના લેખો છે; પરંતુ હિંદુધર્મ, તેનાં સિદ્ધાંતો, તેનું વ્યવહારમાં પ્રત્યક્ષ થતું રૂપ એ વિશેના લેખોનું પ્રમાણ વિશેષ છે.
વેદ, ઉપનિષદ, ગીતા અને મરાઠી ભક્તિપરંપરાથી પુષ્ટ થયેલી, ગાંધીજીના વિચારો અને ગાંધીશૈલીના ચિંતકોથી પ્રભાવિત આ વિચારણા કોઈ ધર્મચિંતકની સિદ્ધાંતોના ખંડનમંડનની શાસ્ત્રીય શૈલીને બદલે લોકકેળવણીકારની લોકભોગ્ય શૈલીમાં થયેલી છે અને ધર્મને સમાજના સંદર્ભમાં જુએ છે. લેખક માને છે કે દરેક ધર્મનાં બે રૂપ હોય છે. એક જીવનના સત્યને પ્રગટ કરતું સનાતન રૂપ અને બીજું એ ધર્મનું પાલન કરતાં મનુષ્યોની સમાજવ્યવસ્થા અને તેમના આચારવિચારોમાં પ્રત્યક્ષ થતું એ સત્યનું સામાજિક રૂપ.
ધર્મનું સામાજિક રૂપ જયારે ધર્મના સત્યરૂપને પોષવાને બદલે રૂંધવા માંડે ત્યારે યુગસંદર્ભ પ્રમાણે એને બદલવું પડે. લેખકને લાગે છે કે હિંદુધર્મનું સત્યદર્શન અને એનું વર્તમાનયુગમાં પ્રત્યક્ષ થતું સામાજિક રૂપ એ બંને વચ્ચે ઘણો વિરોધ છે. અહિંસા, અસ્પૃશ્યતા, સર્વધર્મસમભાવ ઇત્યાદિ ગાંધીજીએ વ્યકત કરેલા વિચારો પર રચાયેલો ભારતીય સમાજ હિંદુ ધર્મના સત્યને મૂર્ત કરનારો બની શકે.
આમ લેખકની વિચારણા ધર્મસંસ્કરણ અને બની રહે છે.
-જયંત ગાડીત
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.